અનેક લોકોએ લૉકડાઉનમાં નોકરી ગુમાવી પણ પતિ-પત્નીએ ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

જયપુર, રાજસ્થાનઃ લૉકડાઉનના કારણે હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવી. ધંધા રોજગાર બંધ રહ્યાં, પરંતુ જયપુરનું કપલ સફળતાના શિખરે પહોંચ્યું. આ કપલ છે રાજેન્દ્ર લોરા અને તેની પત્ની ચંદ્રકાંતા. તેઓ ખેડૂતો માટેનું સ્ટાર્ટઅપ ફ્રેશોકાર્ટ ચલાવે છે. આ હેઠળ કપલ ખેડૂતોને એગ્રી ઈનપુટ જેમકે જંતુનાશક, પેસ્ટીસાઈડ અને અન્ય પ્રકારની દવાઓની હોમ ડિલિવરી કરે છે.

આ સમયે તેમના સ્ટાર્ટઅપ સાથે 30 હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ સ્ટાર્ટઅપે આ વર્ષે 3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. રાજેન્દ્રએ કહ્યું કે, તે ખેડૂતોને સતત મળતો રહેતો ત્યારે જાણ થઈ કે તેમને પાક-શાકભાજીઓ પર છંટકાવ માટે સમયસર દવા મળતી નથી. તેને ધ્યાનમાં રાખતા તેમણે ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત કરી. રાજેન્દ્રએ કહ્યું કે તેણે આ સ્ટાર્ટઅપનો પ્રારંભ 4 વર્ષ અગાઉ કર્યો હતો. તેની પત્ની ચંદ્રકાંતા પણ તેમા સતત મદદ કરતી રહી.

લૉકડાઉનમાં તેમનું સ્ટાર્ટઅપ ખેડૂતો માટે મદદગાર સાબિત થયું. રાજેન્દ્ર પાસે 45 લોકોની ટીમ છે. આ ટીમ ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. જે પછી ઓનલાઈન ઓર્ડર મળવા પર ખેડૂતોને જંતુનાશક દવાઓ સહિતની સામગ્રી પહોંચાડવામાં આવે છે. રાજેન્દ્રના સ્ટાર્ટઅપ સાથે 30 હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ વર્ષે સ્ટાર્ટઅપે 3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

કંપનીની ઓપરેશન હેડ રાજેન્દ્રની પત્ની ચંદ્રકાંતા છે. તેણે કહ્યું કે તેમની કંપની ખેડૂતોને 10 હજાર સુધીનું ધિરાણ પણ કરે છે. તેના પર 12 ટકા વ્યાજ લેવામાં આવે છે. જ્યારે કંપની ખેડૂતોને માર્કેટ રેટ કરતા 5-10 ટકા ઓછા ભાવે જંતુનાશક સહિતની સામગ્રી પહોંચાડે છે.

રાજેન્દ્ર લોરાએ જબલપુર ટ્રિપલ આઈટીથી એન્જિનિયરિંગ કર્યું છે. તેણે 2 વર્ષ મુંબઈમાં નોકરી પણ કરી. પરંતુ પોતાનું કંઈ કરવા માટે નોકરી છોડી દીધી હતી. તેમની પત્ની એમબીએ-પીએચડી છે. હવે તે કંપનીનું માર્કેટિંગ કામ જુએ છે.