દંપતિ એક સાથે નથી કરી શકતાં આ મંદિરમાં પૂજા, નહીં તો થઈ જાય છે અલગ, જાણો શા માટે

ભારતને જો મંદિરોનો દેશ કહેવામાં આવે તો તેમાં કઇ ખોટું નથી. ભારતના દરેક ગલી અને વિસ્તારમાં ઘણા દેવી-દેવતાઓના મંદિર છે. પરંતુ તેમાંથી ઘણા મંદિર પોતાની ખાસિયતના લીધે પુરા વિશ્વમાં પ્રસિદ્ધ છે. દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ હિન્દુ ધર્મને માનનારા લોકો આ મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે. ભારતના ઘણાં મંદિરોમાં અલગ-અલગ પ્રકારની પરંપરાઓનુ પાલન પણ કરવામાં આવે છે. અમુક મંદિરમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હોય છે તો અમુક મંદિરમાં પૂજા કરવા માટે પુરુષ જઈ શકતા નથી.
અમુક મંદિરોમાં એવી માન્યતાઓ હોય છે જેના વિશે સાંભળીને વિશ્વાસ નથી આવતો કે કોઈ મંદિરમાં આ પ્રકારની પણ માન્યતાઓ હોઈ શકે છે. એક તરફ જ્યાં એવું માનવામાં આવે છે કે જો દંપતિ સાથે જઈને મંદિરમાં પૂજા કરે છે તો તે પરિવારની સુખ શાંતિ માટે સારું હોય છે. વળી અમુક જગ્યાએ એવી પણ માન્યતા છે કે દંપતિનું સાથે મંદિરમાં જવું અશુભ હોય છે. જી હા, આજે અમે તમને એક એવા જ મંદિર વિશે જાણકારી આપવાના છીએ. જ્યાં આ પ્રકારની અનોખી માન્યતાનું પાલન કરવામાં આવે છે.
એક સાથે પૂજા કરવા પર થઈ જાય છે અઘટિત ઘટના
અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે મંદિરમાં દંપતિ એક સાથે પૂજા કરી શકતા નથી. આ મંદિરમાં દંપતિનું એક સાથે પૂજા કરવું વર્જિત છે. હિમાચલ પ્રદેશના શિમલામાં શ્રાઈ કોટી માતાનું મંદિર છે. શ્રાઈ કોટી માતાનું મંદિર શિમલાના રામપુર નામની જગ્યા પર આવેલ છે. આ મંદિરની માન્યતા એવી છે કે ત્યાં દંપતી એક સાથે પૂજાપાઠ કરી શકતા નથી અને જો કોઇ દંપતી એવું કરે છે તો તેમની સાથે કોઈ અઘટિત ઘટના ઘટે છે. તમને જણાવી દઈએ કે શ્રાઈ કોટી માતાજીનું આ મંદિર પુરા હિમાચલ પ્રદેશમાં પ્રસિદ્ધ છે.
આ મંદિરમાં દંપતી એક સાથે જઈ શકે છે પરંતુ એક વારમા ફક્ત એક જ દર્શન કરી શકે છે. જે પણ દંપતી ત્યાં જાય છે તે અલગ-અલગ સમય પર માતાજીના દર્શન કરે છે. આ મંદિરની માન્યતા અનુસાર એકવાર ભગવાન શિવજીએ પોતાના બંને પુત્રો ગણેશ અને કાર્તિકેયને બ્રહ્માંડનો ચક્કર લગાવવા માટે કહ્યું હતું. કાર્તિકેય બ્રહ્માંડનો ચક્કર લગાવવા માટે નીકળી પડ્યાં. જ્યારે ગણેશજીએ શિવ-પાર્વતીજીના ચક્કર લગાવીને કહ્યું કે માતા પિતાના ચરણોમાં જ બ્રહ્માંડ સ્થિત છે. જ્યાં સુધીમાં કાર્તિકેય બ્રહ્માંડનો ચક્કર લગાવીને આવ્યાં ત્યાં સુધીમાં તો ગણેશજીના લગ્ન પણ થઈ ચૂક્યા હતા.
કાર્તિકેય એ જીવનભર લગ્ન ના કરવાનો લીધો સંકલ્પ
આ ઘટનાથી કાર્તિકેય ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે ક્યારેય પણ લગ્ન ના કરવાનો સંકલ્પ લીધો. શ્રાઈ કોટી માતાજીના મંદિરના દરવાજા પર આજે પણ ગણેશજી પોતાની પત્ની સાથે સ્થાપિત છે. કાર્તિકેયજીના લગ્ન ના કરવાના સંકલ્પને લીધે માતા પાર્વતીજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યું કે જે પણ પતિ-પત્નિ એક સાથે અહીયા તેમના દર્શન માટે આવશે તે એકબીજાથી અલગ થઈ જશે. આ કારણને લીધે જ આ મંદિરમાં દંપતી એક સાથે પૂજા કરી શકતા નથી. વર્ષોથી આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલ છે. આ મંદિર સમુદ્ર તળથી ૧૧ હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. અહીંયા જવા માટે ઘનઘોર જંગલની વચ્ચેથી પસાર થવું પડે છે.