મોદીની મુલાકાત બાદ ડોભાલે એવી તો શું સ્ટ્રેટજી વાપરી કે ચીન 48 કલાકમાં નમી ગયુ?

નવી દિલ્હીઃ ગલવાન ઘાટીમાં ચીને તેના સૈન્યને 2 કિલોમીટર પાછળ ખસવા કહ્યું. ચીને આ નિર્ણય નરેન્દ્ર મોદીના લદ્દાખ પ્રવાસના 2 દિવસ બાદ રવિવારે ભર્યું છે. નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (એનએસએ) અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વીડિયો કોલ પર ચર્ચા કરી હતી. રવિવારે થયેલી આ વાતચીતના થોડા કલાક બાદ જ ચીને સૈન્યને પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે અચનાક લદ્દાખની મુલાકાત લઈ ચીન ઉપરાંસ વિશ્વના અન્ય દેશોને પણ ચોંકાવ્યા હતા. તેઓ પોસ્ટ પર જવાનોને પણ મળ્યા હતા. તેમણે જવાનોનો ઉત્સાહ વધારવા સ્પીચ પણ આપી હતી.

ગલવાન જેવી ઘટનાને બંને દેશ સાથે મળી અટકાવશે
એનએસએ અજીત ડોભાલે રવિવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, આ વાતચીત સારી રહી. ચર્ચામાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ફરીથી શાંતિ સ્થપાય અને ભવિષ્યમાં ગલવાન જેવી ઘટનાઓને અટકાવવા સાથે મળીને કામ કરશે.
આ 4 મુદ્દે બંને દેશ સહમત થયા…

- બોર્ડર પર શાંતિ રાખવા અને સંબંધો આગળ વધારવા માટે બંને દેશોએ પરસ્પર તાલમેલ રાખવાની જરૂર છે. જો વિચાર ના મળે તો વિવાદ ઊભા કરવાની જરૂર નથી.
- લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર સૈન્ય હટાવવા અને ડી-એક્સ્કેલેશન પ્રોસેસ ઝડપથી શરૂ કરવામાં આવે. આ કામ અમુક તબક્કામાં પૂર્ણ કરાશે.
- બંને દેશ LACનું સન્માન કરે અને એરતરફી કાર્યવાહી ના કરે, ભવિષ્યમાં સરહદે માહોલ બગાડતી ઘટનાઓને અટકાવવા સાથે કામ કરવું.
- એનએસએ ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી આગળ પણ વાતચીત ચાલુ રાખશે, જેથી બંને દેશોના કરારો મુજબ સરહદે શાંતિ રહે અને પ્રોટોકોલ જળવાઈ રહે.

ચીની સૈન્ય પાછળ હટ્યું પરંતુ બખ્તરબંધ વાહનો હજુ પણ હાજર
ગલવાનની અથડામણના 20 દિવસ બાદ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પરથી ચીની સૈન્ય 2 કિ.મી. પાછળ ખસી ગયું હતું. તેણે ટેન્ટ અને અસ્થાઈ નિર્માણ પણ હટાવી દીધા છે. જોકે ગલવાનના વિસ્તારમાં ચીનના બખ્તરબંધ વાહનો હજુ પણ હાજર છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે 4 પોઈન્ટ્સ પર વિવાદ છે. આ પોઈન્ટ પીપી-14 (ગલવાન રિવર વેલી), પીપી-15, હોટ સ્પ્રિંગ્સ અને ફિંગર એરિયા છે. ભારતીય સૈન્ય તમામ પોઈન્ટ પર નજર રાખી રહી છે.